હે મનુષ્યો ! તમે પૂર્ણ મનુષ્ય બનો

મનુષ્યતાના ઊંચા લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી સાધન છે – શ્રેષ્ઠ કામ કરવાં, પોતાની શક્તિ અને પરિશ્રમને નકામાં કાર્યોમાં ન વાપરતાં વ્યવસ્થિત રીતે સદ્દકાર્યોમાં અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધારવામાં વાપરવાં. સામાન્ય રીતે મનુષ્ય પોતાના સમય, શક્તિ તથા કાર્યને વ્યવસ્થિત રૂપ નથી આપી શકતો અને નકામાં ગુંચવણો ભર્યા કાર્યોમાં જ તમનો નાશ કરી નાંખે છે. ફળ સ્વરૂપે જીવનનાં અંત સુધી પણ તે પૂર્ણ મનુષ્ય નથી બની શકતો. એટલું જ નહીં, તેમનું જીવન ભાર રૂપ બની જાય છે. તેણે નકામાં કાર્યોથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમાં ખોટી રીતે શક્તિ અને સમયનો નાશ થાય છે. પોતાના સામર્થ્ય અને સ્થિતિને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે સફળતાની દિશામાં આગળ વધવા માટે ક્રમબદ્ધ પગલાં ભરવાં જોઈએ. તેમાં પણ જો કોઈ મૂંઝવણ ઊભી થાય તો તેમાં વિવેક અને ધીરજથી કામ લઈને આગળ વધવું જોઈએ. આમ કરવાથી શક્તિ અને સમયનો દુરુપયોગ નથી થતો. કેટલાય મહાપુરુષોએ એકલા હોવા છતાં પણ ધીમે ધીમે મહાન કાર્યો તથા મહાન યોજનાઓને પાર પાડ્યા છે, જેને અચાનક થયેલાં જોઈને લોકો ચમત્કાર સમજી બેસે છે. આથી હંમેશાં નકામાં કામોથી દૂર રહીને પોતાની શક્તિ, સામર્થ્ય અને સ્વરૂપનો સદુપયોગ પોતાના પવિત્ર માર્ગ તરફ આગળ વધવા માટે કરવો એ પૂર્ણ મનુષ્ય બનવા માટે જરૂરી છે.

– યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય