જ્યારે કોઈ દુ:ખદ ઘટનાથી તમારું મન ખિન્ન થઈ રહ્યું હોય, નિરાશાનાં વાદળો ચારે બાજુ છવાયેલાં હોય, અસફળતાના કારણે ચિત્ત દુ:ખી થઈ ગયું હોય, ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય, બુદ્ધિ બહેર મારી ગઈ હોય, તો આમતેમ ના ભટકશો. પેલા શિયાળને જુઓ કે જે શિકારી કૂતરાઓથી ઘેરાઈ જતાં છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે. અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે. આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાન ચિત્તને સંકેલી લો અને તમારા હ્રદય મંદિરમાં ચાલ્યા જાઓ. બહારની બધી વાતોને ભૂલી જાઓ. પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી હતી તે દૂર થઈ ગયો. તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો. ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઘરમાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હ્રદય મંદિરમાં મળશે. થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો. હ્રદયરૂપી આ સાત્વિક સ્થાનને બ્રહમલોક અથવા ગોલોક પણ કહે છે, કારણ કે ત્યાં પવિત્રતા, પ્રકાશ અને શાંતિનો જ નિવાસ છે. પરમાત્માએ આપણને સ્વર્ગની સીડી સુખ મેળવવા માટે જ આપી છે, પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો એને જાણી શકતા નથી.
– યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય